News News સીપીપીના નેતા ચૂંટાયા, સોનિયા ગાંધી કોંગ્રેસના ચેરમેનપદે, ૨૨મી મેના રોજ સોગંદ લેવાની સંભાવના
કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાવાની ઔપચારિકતા પૂરી થઇ ગયા બાદ ડો. મનમોહનસિંઘ બુધવારે બીજી ઇનિંગ્સ રમવા માટે રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે. યુપીએની બુધવારે યોજાનારી બેઠકમાં સરકાર રચવા અંગે ઔપચારિક ચર્ચા બાદ મનમોહન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની મુલાકાત લેશે. નવી સરકારના ૨૨મી મેના રોજ સોગંદ લેવાની સંભાવના છે.
મનમોહનને સંસદના સેન્ટ્રલ હોલમાં મંગળવારે કોંગ્રેસ સંસદીય પાર્ટી (સીપીપી)ના નેતા ચૂંટવાની ઔપચારિકતા પૂરી કરવામાં આવી હતી. કોંગ્રેસ અઘ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ અગાઉ, બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય પક્ષના અઘ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
સીપીપીની બેઠકમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ચૂંટણીમાં વિજય મળવાની સાથે જ આપણા પર લોકોની અપેક્ષાઓ પર ખરા ઊતરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી પણ આવી ગઇ છે. પક્ષે લોકોમાં નવી આશાઓ જગાડી છે અને હવે તેને પૂરી કરવાની રહેશે.
તેમણે જણાવ્યું કે, વર્તમાન ચૂંટણીના જનાદેશે રાજકીય અને સાર્વજનિક સંસ્થાઓના ખોવાઇ ગયેલા વિશ્વાસને પુન:સ્થાપિત કરવાની તક આપી છે. વડાપ્રધાન મનમોહનસિંધે સંકેત આપ્યા છે કે, આર્થિક સુધારાનો સિલસિલો જારી રહેશે.
તેમણે જણાવ્યું કે, હવે દુનિયાના પૂર્વ ભાગોમાં વિકાસ જોર પકડી રહ્યું છે અને ભારતે આ તકને હાથમાંથી જતી ન કરવી જોઇએ. તેમણે વિજયનો શ્રેય સોનિયા ગાંધીના પ્રેરક નેતૃત્વ, રાહુલ ગાંધીના પ્રયાસો અને કાર્યકર્તાઓના સમર્પણને આપ્યો હતો.
પાંચ વર્ષ નિણાર્યક
મનમોહનસિંધે જણાવ્યું કે, આવનારા પાંચ વર્ષ આ સદીના અડધા દાયકા માટે નિણાર્યક હશે. તેમણે જણાવ્યું કે, જો તેઓ વિતેલા પાંચ વર્ષનો વિકાસ દર પણ જાળવી રાખીએ છીએ તો તેનાથી ગરીબી દૂર થશે, રોજગારની નવી તકો પેદા થશે, ગ્રામીણ વિકાસ અને ઔધોગિકીકરણને ગતિ મળશે તથા લોકોનું જીવનધોરણ બદલાશે.
પહેલું સત્ર ૨જી જૂનથી
૧૫મી લોકસભાનું પહેલું સત્ર ૨જી જૂનથી ચાલુ થવાની સંભાવના છે. જેમાં સભ્યોને સોગંદ લેવડાવવામાં આવશે અને રાષ્ટ્રપતિ સંસદના સંયુકત અધિવેશનને સંબોધન કરશે. લોકસભા અઘ્યક્ષ અને ઉપાઘ્યક્ષની પણ ચૂંટણી થશે.