Today :

ચૂંટણી પંચ શહેરોમાં મતદાન પ્રત્યે ઉદાસિનતાથી ચિંતિત

કારણો અંગે ચૂંટણી કમિશનર તપાસ કરશે

દેશના શહેરી વિસ્તારોમાં મતદાન પ્રત્યે લોકોમાં રહેલી ઉદાસિનતા અંગે ચૂંટણી પંચે ચિંતા વ્યકત કરતા તેના કારણો અંગે તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી કમિશનર ડો.એસ.વાય.કુરેશીના અનુસાર શહેરના લોકોમાં મત ન આપવાની પ્રવૃત્તિના કારણે દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતમાં ચૂંટણી પ્રક્રિયા અંગે સવાલ ઉઠવા લાગ્યા છે, જે સારી વાત નથી.

‘ભાસ્કર’ સાથેની ખાસ વાતચીતમાં કુરેશીએ જણાવ્યું કે, મતદાન પ્રત્યે શહેરી વર્ગની અરુચિ અંગે આપવામાં આવતી દલીલો સાથે તેઓ સહમત નથી. કેટલીક વખત તો શહેરોમાં ફકત ૩૦ ટકા જેટલું મતદાન થાય છે, જેના કારણે ૧૫થી ૨૦ ટકા મત મેળવનારો ઉમેદવાર પણ લોકસભા કે વિધાનસભામાં પહોંચી જાય છે.

આમ છતાં, કુરેશીએ મતદાનને અનિવાર્ય બનાવવાને અંતિમ વિકલ્પ સ્વીકાર્યોનથી. તેમણે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા અને આજેન્ટિના જેવા દેશોમાં તો મત ન આપવા પર જેલ કે દંડની વ્યવસ્થા છે, પરંતુ ૭૧ કરોડ કરતાં વધુ મતદારો ધરાવતા ભારતમાં આ સૂચન ઉપર્યુકત નથી. આટલા મોટા દેશમાં મત ન આપનારા કરોડો લોકોને ગુનેગારની શ્રેણીમાં મૂકવા યોગ્ય નથી.

ડો. કુરેશી શહેરી મઘ્યમ વર્ગની સુવિધા માટે ઇ-મતદાન લાગુ કરવાના પક્ષમાં પણ નથી. તેમણે જણાવ્યું કે, ભારતમાં ઇ-મતદાન પદ્ધતિ લાગુ કરવી હજુ દૂરની વાત છે. તેનો ફાયદો ઓછો અને નિષ્પક્ષતા અંગે સવાલ વધુ છે. તેમણે સવાલ કર્યોકે, પેન્ટાગોન સહિત કેટલાય દેશોના સંરક્ષણ મંત્રાલયો તથા બેન્કોની ગુપ્ત ફાઇલો ઇન્ટરનેટની મદદથી હેક કરી લેવામાં આવે છે.

ત્યારે ઇ-મતદાનની નિષ્પક્ષતા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય. તેમણે જણાવ્યું કે, મતદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે તેમના વિચારોમાં પરિવર્તન લાવવું જરૂરી છે. મીડિયા, રાજકીય પક્ષો અને સ્વયંસેવી સંસ્થાઓ ‘પપ્પુ’ તથા ‘જાગો રે’ જેવા જાગૃતિ અભિયાન ચલાવીને આ અભિયાન કરી શકે છે.

ચૂંટણી સર્વેને મંજૂરી નહીં :

ડો. કુરેશીએ જણાવ્યું કે, ચૂંટણી સર્વેક્ષણોને નિષ્પક્ષ માની શકાય નહીં. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં ભાગ લેતા કુરેશીએ જણાવ્યું કે, આવા સર્વેક્ષણોને મંજૂરી આપવી જોઇએ નહીં. આ મામલો હાલ સુપ્રીમ કોટર્માં વિચારાધીન છે.





Post your Feedback on Article
 
Name:
Email ID:
Comments:
Code: