News News
એલ કે અડવાણીના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ વચ્ચે, લોકસભામાં ચૂંટણીમાં પક્ષના ખરાબ પ્રદર્શનના પગલે ભાવિ પગલાં અંગે નિર્ણય કરવા માટે સોમવારે ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક મળશે.
ભવિષ્યમાં પક્ષની પ્રસ્તુતતા જાળવી રાખવા માટેની વ્યૂહરચના અને વિપક્ષી નેતા તરીકે પોતે ચાલુ રહેવું કે કેમ? તે અંગે વિચાર-વિમર્શ કરવા માટે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પક્ષના વરિષ્ઠ નેતાઓને અડવાણી મળ્યા હતા.
ભાજપના પ્રમુખ રાજનાથસિંહે ઉપરાંત આ બેઠકમાં હાજરી આપનારાઓમાં ઉત્તરાખંડના ભુવનચંદ્ર ખંડૂરી, હિમાચલ પ્રદેશના પ્રેમકુમાર ધુમલ, છત્તીસગઢના રમણસિંહ, મઘ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, કણાટર્કના બી .એસ યેદીયુરપ્પા અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બેઠકમાં હાજર રહ્યાં નહોતા, પણ પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ હાજર રહેશે તેવી અપેક્ષા હતી. રાજ્યોના મુખ્યમંત્રી ઉપરાંત બેઠકમાં લોકસભામાં અડવાણીના સંભવિત અનુગામી ગણાતા વરિષ્ઠ નેતાઓ જસવંતસિંહ, મુરલી મનોહર જોશી અને સુષ્મા સ્વરાજ વગેરે પણ હાજર રહ્યાં હતા.
મુરલી મનોહર જોશીએ જણાવ્યું હતું કે અડવાણીના યુગનો અંત આવ્યો છે, તેમ હું નથી કહેતો, પણ અટલ બિહારી વાજપેયી જે ભૂમિકા ભજવી રહ્યાં છે તે ભૂમિકા હવે તેમણે ભજવવી જોઇએ. જોકે, જોશીએ સ્પષ્ટતા કરી હતી કે સંસદમાની અડવાણીની વિપક્ષી નેતાની ભૂમિકાને આંચકી લેવાની સ્પર્ધામાં તેઓ નથી.
પરિણામો અંગે મનોમંથન કરવા અને ભાવિ વ્યૂહરચના અંગે વિચાર-વિમર્શ કરવા મળેલી આ બેઠકમાં પક્ષના મહામંત્રી અરુણ જેટલી, અનંતકુમાર, એમ વેકૈંયા નાયડુ, થાવરચંદ ગેહલોત અને વિજય ગોએલ પણ હાજર રહ્યાં હતા.