News News મંત્રીપદની લાલચ નથી, પ્રજાના હિત માટે કાર્ય કરીશું : મમતા
તૃણમૂલ કોંગ્રેસ સંસદીય પક્ષે સોમવારે તેના નેતા તરીકે મમતા બેનરજીને સર્વાનુમતે ચૂંટી કાઢયા છે અને કેન્દ્ર ખાતેની કોંગ્રેસ આગેવાની હેઠળની યુપીએ સરકારને તેનો ટેકો આપવાનું વચન આપ્યું છે. જ્યારે નવા ચૂંટાયેલા સાંસદો સુલતાન અહેમદ અને ગોવિંદાચંદ્ર નાસ્કર તૃણમૂલ સંસદીય પક્ષના નાયબ નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા છે.
તૃણમૂલ કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠક બાદ આ જાહેરાત કરતાં મમતા બેનરજીએ જણાવ્યું હતું કે યુપીએ સરકારને ટેકો આપતો ઠરાવ પસાર કરાયો છે. જે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને મોકલવામાં આવશે.
સોમવારની રાતે પક્ષના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ મુકુલ રોય આ ઠરાવ લઇને રાષ્ટ્રપતિ પાસે જશે. પોતાના પક્ષ કયા ખાતાનું મંત્રીપદ ઇચ્છે છે તે સંદર્ભેના એક પ્રશ્નના ઉત્તરમાં મમતા બેનરજીએ જણાવ્યું હતું કે અમને કયું મંત્રાલય જોઇએ છીએ તે અંગે વાતચીત કરવાની જરૂર નથી. અમે કોઇની સમક્ષ કોઇ માગણી કરી નથી.
બંગાણી વાઘણની ઉપમા મેળવી ચૂકેલાં આ નેતાએ જણાવ્યું હતું કે તણમૂલ કોંગ્રેસ કોઇપણ પ્રકારનું ‘બાર્ગેનિંગ’ કરશે નહીં. લોકોના માટે શું સારું છે તે અમે કરીશું. તૃણમૂલ કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં પક્ષના નવા ચૂંટાયેલા તમામ ૧૯ સાંસદ ઉપરાંત રોય અને સ્વપન સાધન બોઝ આ બન્ને રાજ્યસભાના સભ્ય પણ ઉપસ્થિત રહ્યાં હતા.