Today :

યુપીએના ચૂંટણીપૂર્વેના તમામ સાથી પક્ષોની બુધવારે બેઠક

રાજદ-સપાને આમંત્રણ આપવા અંગે કોઈ ફોડ પડાયો નથી, માયાવતી બહારથી ટેકો આપવાની ઓફર કરશે તેવી રાજકીય અટકળો

લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ, ભાવિ વ્યૂહરચના ઘડવા માટે બુધવારે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ(યુપીએ)ના ચૂંટણી પહેલાંના સાથી પક્ષોની બેઠક મળનારી છે. અલબત્ત આ બેઠકમાં રાજદ અને સમાજવાદી પાર્ટીને આમંત્રણ અપાશે કે કેમ તે અંગે કોંગ્રેસે કાંઇ કહ્યું નહોતું.

જોકે, નવી સરકારના મંત્રીમંડળમાં સપા અને રાજદને કોઇ સ્થાન આપવામાં આવશે નહિ. જયારે બીજી બાજુએ સરકારને બહારથી ટેકો આપવાની માયાવતી ઓફર કરશે, તેવી અટકળો વહેતી થઇ છે. કોંગ્રેસ પ્રવક્તા જનાર્દન દ્વિવેદીએ અહીંયા પત્રકારોને જણાવ્યું હતું કે ૨૦મી મેના રોજ યુપીએની બેઠક મળનારી છે.

જેમાં ચૂંટણી પહેલાંના અમારા તમામ સાથી પક્ષોને અમે આમંત્રણ પાઠવ્યું છે. આ બેઠકમાં અમારા ભાવિ પગલાંઓ અંગે ચર્ચા થશે. આ બેઠક યુપીએનાં અઘ્યક્ષા સોનિયા ગાંધીના નિવાસસ્થાન ૧૦, જનપથ ખાતે મળશે. રાજદના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવ આ બેઠકમાં હાજરી આપશે, તેવા એક પ્રશ્ન અંગે ટીકા-ટિપ્પણ કરવાનો દ્વિવેદીએ ઇનકાર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજદ અને લોક જનશકિત પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પહેલાં જ યુપીએ સાથે છેડો ફાડયો હતો અને ત્રણેય પક્ષે ભેગા મળીને ચોથા મોરચાની રચના કરી હતી.

અન્ય એક અહેવાલ અનુસાર મંત્રણાઓની શરૂઆત છતાંય નવા કેન્દ્રીય મંત્રીમંડળમાં સપા અને રાજદને સામેલ કરવાની કોંગ્રેસની નામરજી દેખાઇ રહી છે, પણ કંઇક અંશે અપ્રિય એવા માયાવતીના બસપા તરફથી બહારથી ટેકો કદાચ મેળવશે. જોકે, આ બાબતે માયાવતી તરફથી કોઇ પ્રતિક્રિયા દર્શાવાઇ નથી.





Post your Feedback on Article
 
Name:
Email ID:
Comments:
Code: