News News
૧૫મી લોકસભામાં દર બીજો સાંસદ કરોડપતિ છે તો દર ચોથા સાંસદ વિરુદ્ધ ગુનાહિત કેસો પણ નોંધાયેલા છે. નવા ચૂંટાયેલા સાંસદોમાંથી ૩૦૦ની સંપત્તિ કરોડોમાં છે. જ્યારે ૧૫૦ સાંસદ એવા છે કે, જેમના નામે એક કે એકથી વધુ અપરાધિક કેસ નોંધાયેલા છે. આ વિશ્લેષણ નેશનલ ઇલેકશન વોચ નામની સંસ્થાએ ઉમેદવારોએ દાખલ કરેલા સોગંદનામાના આધારે તૈયાર કર્યું છે.
વિશ્લેષણ અનુસાર, નવા ચૂંટાયેલા સાંસદોમાંથી ૭૩ વિરુદ્ધ ગંભીર કેસ નોંધાયેલા છે, આ આંકડો ગત લોકસભાના આવા સાંસદો કરતાં ૩૦.૯ ટકા વધુ છે. ગત લોકસભામાં ૧૨૮ સાંસદો વિરુદ્ધ અપરાધિક મામલા અને ૫૫ વિરુદ્ધ ગંભીર મામલા વિચારાધીન હતા.
ઉ.પ્રદેશમાંથી સૌથી વધુ બળવાખોર :
રાજ્યોના આધારે ૧૫મી લોકસભામાં સૌથી વધુ ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાયેલા ૩૦ સાંસદો વિરુદ્ધ અપરાધિક મામલા છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર(૨૩) અને બિહાર(૧૭)નું સ્થાન છે. મઘ્યપ્રદેશના ૪, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને છત્તીસગઢના સાંસદો વિરુદ્ધ બે-બે તથા દિલ્હીના સાંસદ વિરુદ્ધ એક અપરાધિક કેસ નોંધાયેલો છે.
કરોડપતિ સાંસદોમાં પણ ઉત્તરપ્રદેશ(૫૨) સાંસદો સાથે સૌથી આગળ છે. ત્યાર બાદ મહાષ્ટ્ર(૩૭) અને આંધ્રપ્રદેશ(૩૧)નું સ્થાન છે. મઘ્યપ્રદેશના-૧૫, રાજસ્થાનના-૧૪, પંજાબના-૧૩, ગુજરાતના-૧૨, હરિયાણાના-૯, દિલ્હીના-૭, હિમાચલ પ્રદેશના-૩, છત્તીસગઢના-૨ તથા ચંદીગઢનો એક સાંસદ કરોડપતિ છે. સૌથી ધનવાન સાંસદ ખમ્મમથી ટીડીપીના નામા નાગેશ્વર રાવ (રૂ.૧૭૩ કરોડ) છે. બીજા નંબરે હરિયાણાના કુરુક્ષેત્રથી નવીન જિંદાલ (રૂ. ૧૩૧ કરોડ) છે.
રાજકારણમાં અપરાધિક તત્ત્વોના આવવાનું સૌથી મોટું કારણ ઉમેદવારોની પસંદગીમાં પક્ષોની મનમરજી છે. તમામ પક્ષો ઇમાનદારીના બદલ નાણાં અને બાહુબળને જીતનું એક મોટું ધોરણ માને છે. - અનિલ બૈરવાલ, ઇલેકશન વોચ.
રાજકીય પક્ષો દ્વારા બાહુબલીઓને ટિકિટ આપવાની પ્રવૃત્તિ દેશની લોકતાંત્રિક વ્યવસ્થા માટે એક મોટો ખતરો છે. નવી સરકારે બાહુબલીઓના રાજકારણમાં પ્રવેશને અટકાવવાના કામનો પોતાના કામની યાદીમાં સમાવેશ કરવો જોઇએ. - પ્રો. જગદીશ છોક્કર, પૂર્વ નિર્દેશક આઈઆઈએમ (અમદાવાદ)