News News ડીએમકેના વડા કરુણાનિધિ આજે સોનિયા ગાંધી સાથે આ મુદ્દે ચર્ચા કરશે
લોકસભાની ચૂંટણીમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ તાનમાં આવી ગયેલા ડીએમકેએ કેન્દ્રીય મંત્રીમંડળમાં વધુ બેઠકોની માગણી કરી હોવાની અપેક્ષા વચ્ચે તામિળનાડુના મુખ્યમંત્રી એમ કરુણાનિધિએ સોમવારે જણાવ્યું હતું કે આવતીકાલે નવી દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે તેઓ આ મુદ્દે ચર્ચા કરશે.
પક્ષની કારોબારીની બેઠક બાદ પત્રકારોને ડીએમકેના વડા અમારા મંત્રીઓની સંખ્યા અંગે અમે ચર્ચા કરીશું નહિ, આવતીકાલે સોનિયા ગાંધી સાથે તેની ચર્ચા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કરુણાનિધિ નવી દિલ્હી જવા મોડી સાંજે રવાના થશે. કેન્દ્રીય મંત્રીમંડળમાં ડીએમકેએ વધુ બેઠકની માગણી કરી હોવાની સઘન અપેક્ષાઓ વચ્ચે કરુણાનિધિએ આ ટકોર કરી છે. વિદાય લઇ રહેલા કેન્દ્રીય મંત્રીમંડળમાં ડીએમકેના સાત સાંસદ મંત્રીપદે બિરાજે છે.
આ વખતે ડીએમકેની આગેવાની હેઠળના મોરચાએ પોંડિચેરી સહિત ૪૦માંથી ૨૮ બેઠક મેળવી છે. ડીએમકેમાં મંત્રીપદ મેળવનારા આશાસ્પદોમાં કરુણાનિધિનો પુત્ર એમ કે અઝાગિરી, પુત્રી કોનિમોઝી અને ભત્રીજાનો પુત્ર દયાનિધિ મારનનો સમાવેશ થાય છે.
મંત્રીમંડળમાં ભાગીદારી અંગે નિર્ણય કરવાની સત્તા આપતા ડીએમકે કારોબારીના ઠરાવ સાથે કરુણાનિધિ આવતીકાલે નવી દિલ્હી જવા રવાના થશે. મંત્રીમંડળમાં ડીએમકેના કવોટામાં મહિલા પ્રતિનિધિની માગણી તેઓ કરશે, એવા એક પ્રશ્નના જવાબમાં કરુણાનિધિએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી સાથે બેઠક બાદ જ આ પ્રશ્નનો ઉત્તર મળી શકશે.