ઉમેદવારો-કાર્યકરો જ નહીં, લોકોમાં પણ હવે એક જ ચર્ચા: કોની બનશે સરકાર ?
કોણ જીતશે કોણ હારશે
લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી ટીવી ચેનલોએ તો ચોવીસ કલાક પણ ઓછા પડે તે રીતે ચૂંટણીની ચર્ચા કરી છે. છેક મધરાતે કુમારસ્વામી દસ જનપથ ગયા હોવાના અહેવાલો પણ ચેનલ પરથી પ્રસારિત થયા હતા. પરંતુ, હવે ચૂંટણીનાં પરિણામોની ચર્ચા રાજકીય સમીક્ષકો કે માઘ્યમો પૂરતી મર્યાદિત ન રહેતા આમજનતાની વાતચીતનો વિષય બની ગઇ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે ચૂંટણીનાં પરિણામો અંગે અટકળો, અનુમાનો, ધારણાઓ મંડાઇ રહી છે. સ્થાનિક બેઠકથી માંડીને છેક દિલ્હીની સલ્તનત પર કોણ બિરાજશે અને કોના માથા પર દુનિયાના સૌથી મોટા ગણતંત્રના વડાપ્રધાનનો તાજ આવશે ? તેની ઝીણવટભરી અને રસપ્રદ ચર્ચાઓ શરૂ થઇ છે.
ભારતના ઇતિહાસમાં કદાચ ચૂંટણીનાં પરિણામો અંગે આટલી અનિશ્ચિતતા અને જેના વિશે ધારણા કરવી મુશ્કેલ હોય તેવી સ્થિતિ કયારેય નહોતી આવી, એટલી ગૂંચવણ આ વખતે લોકોને લાગી રહી છે. પાંચ તબક્કામાં થયેલા મતદાન બાદ શનિવારે મતગણતરી હાથ ધરાવાની છે, ત્યારે લોકોની નજર પોતે જયાં મતદાન કર્યું છે, તે બેઠકથી માંડી છેક દિલ્હી સુધી મંડાઇ છે.
રાજકોટ બેઠક આ વખતે ભાજપ-કોંગ્રેસ બન્ને માટે વધુ પ્રતિષ્ઠાનો જંગ સમાન છે. ભાજપે નવા જ ઉમેદવાર કિરણ પટેલને તક આપી છે, તે પ્રયોગ સફળ થશે કે નહીં ? તેના પર સૌની મીટ છે. જયારે સામે પાયાના કાર્યકર ગણાતા કુંવરજી બાવળિયાની પસંદગી કોંગ્રેસને જીવતદાન આપશે કે કોમાના વધુ એક સ્ટેજમાં લઇ જશે તે પ્રશ્ન છે.
જીતના દાવા તો બન્ને કરે છે, પરંતુ લેઉઆ પટેલનું મતદાન, જસદણ-વાંકાનેરમાં કોંગ્રેસને મળનારી લીડ, શહેરી વિસ્તારમાં ભાજપને મળેલા મત જેવા સંખ્યાબંધ પરિબળો લોકોને કોઇ એક નિશ્ચિત મત બાંધવા દેતા નથી.જૂનાગઢમાં બેઉ બળિયા બાથે વળગ્યા જેવી સ્થિતિ હતી. જશુભાઇ બારડ અને ભાજપના દીનુ સોલંકી વચ્ચે કસોકસની લડાઇ છે. કાળવા ચોક હોય કે ગિરનાર તળેટી, લોકોમાં એક જ ચર્ચા છે કે, સોરઠનો અવાજ સંસદમાં કમળના માઘ્યમથી જશે કે વિકાસનું ભાવિ પંજાના હાથમાં રહેશે ?
જામનગરમાં વિક્રમ માડમ જીતશે કે રમેશ મુંગરા ? તેની ચર્ચા જોરદાર છે. અૌધોગિક રીતે મહત્ત્વના એવા આ મતવિસ્તારમાં કોનું પલ્લું ભારે રહેશે ? તેની ચર્ચા છે, સાથે જ સૌરાષ્ટ્રમાં કેટલી બેઠકો કોને મળશે ? તેની પણ વાતો ચાલી રહી છે.
આ જ રીતે ભાવનગરમાં રાજેન્દ્રસિંહ રાણા અને મહાવીરસિંહમાંથી કોણ આગળ નીકળશે, અમરેલીમાં નીલાબેન ઠુમ્મર જીતશે કે નહીં ? તેના પર તો શરતો લાગી છે. અમરેલીની બેઠકનું પરિણામ પ્રદેશ ભાજપના પ્રમુખની પ્રતિષ્ઠા પર સીધી અસર કરશે, તેવી ચર્ચા લોકમુખે છે.
સુરેન્દ્રનગર બેઠક પર સોમાભાઇ પટેલનું વર્ચસ્વ રહેશે કે ભાજપના પ્રયાસો ફળશે ? તે ચર્ચાનો મુખ્ય વિષય છે. રાજકીય જંગની રીતે મહત્ત્વની મનાતી પોરબંદર બેઠક પર વિઠ્ઠલ રાદડિયા ભાજપને પછડાટ આપશે કે પછી ભાજપે ત્યાં કરેલા વિશેષ અને વધુ પ્રયાસો ફળશે, તે પણ પ્રશ્ન છે.
પરિણામને હવે બે જ દિવસ બાકી છે, ત્યારે ગુજરાતમાં ૨૬માંથી કયા પક્ષને કેટલી બેઠક મળશે, તેની અસર ગુજરાતના રાજકારણમાં કેવી પડશે, દોઢ વર્ષ પછી આવનારી કોર્પોરેશનોની ચૂંટણી પર આ પરિણામો કેવા અસરકારક રહેશે ? તે અનેક પ્રકારે ચર્ચા થઇ રહી છે. કેટલીક બેઠકો માટે લોકો નિશ્ચિતપણે ભાવિ ભાખી રહ્યા છે, કેટલાકમાં કસમકસની સ્થિતિ જોઇ રહ્યા છે, ત્યારે વાસ્તવિક સ્થિતિ તો શનિવારે રાત્રે જ ખબર પડશે.