Today :

પાંચ વર્ષમાં સાડા ત્રણ કરોડ ખેડૂતોની લોન માફી, માહિતી અધિકારનો કાયદો, આદિવાસીઓને જમીનના હક્ક, વગેરેને કોંગ્રેસની સિદ્ધિ ગણાવી

manmohan singhગુજરાત પ્રગતિશીલ રાજય છે, તેના મુખ્ય ઉધોગોમાં હીરા ઉધોગ છે તેની હાલની ખરાબ હાલતમાં કેન્દ્ર તમામ ડ્યુટી રદ કરે છતાં જો રાજયની સરકાર તેને બચાવી નહીં શકતી હોય તો રાજય અને દેશમાં ઉધોગોના વિકાસનો દાવો કેવી રીતે કરી શકે? મુખ્યમંત્રીનું નામ લીધા વગર આવો વેધક સવાલ કરીને વડાપ્રધાન મનમોહનસિંધે વિરોધીઓ ઉપર આકરો પ્રહાર કર્યોહતો.

તેમણે વરાછાની સભામાં યુપીએ સરકારની પાંચ વર્ષની કામગીરીના લેખાંજોખાં દર્શાવી ચૂંટણી પ્રચારના માહોલમાં વિરોધીઓને મૂંઝવણમાં મૂકવાનો મજબૂત પ્રયાસ કર્યો હતો. સુરત, નવસારી અને બારડોલી લોકસભા બેઠક માટે કોંગ્રેસના પ્રચાર માટે વડાપ્રધાન ડો.મનમોહનસિંધે રવિવારે સાંજે વરાછા રોડ પર ધારુકાવાલા કોલેજના ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધી હતી.

તેમાં તેમણે મુખ્યમંત્રી મોદીનું નામ લીધા વગર હીરા ઉધોગના મુદ્દે રાજય સરકાર સામે પ્રહાર કરતાં કહ્યું કે હીરા ઉધોગ માટે સુરત પ્રખ્યાત છે. અહીં દેશના ૭૦ ટકા હીરા પોલિશ થાય છે. હમણાં આ ઉધોગ વૈશ્વિક મંદીના વમળમાં ફસાયો છે. પાંચ લાખ લોકો બેકાર થયા છે. અડધાં યુનિટો બંધ થયાં છે.

આ ઉધોગને જીવતો રાખવા માટે કેન્દ્ર સરકારે હીરા ઉપરની ઇમ્પોર્ટ અને એકસપોર્ટ ડયૂટી નાબૂદ કરી દીધી છે. હજુ પણ ઉધોગને બેઠો કરવા માટે ઉધોગના અગ્રણીઓ સંપર્કમાં છે. જોકે, આ ઉધોગને બેઠો કરવા માટે રાજય સરકારે કોઈ પગલાં નથી ભર્યા. છેલ્લે છેલ્લે એક પેકેજ જાહેર કર્યું છે પણ તે પણ કોઈ અર્થ વિનાનું છે. જો રાજય સરકાર તેના રાજ્યના આવા એક મહત્વના ઉધોગને બચાવી નહીં શકતી હોય તો રાજય અને દેશના અન્ય ઉધોગના વિકાસનો દાવો કઈ રીતે કરી શકે?

વિરોધીઓ ઉપર આકરા શરસંધાન કરતાં વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસે છેલ્લાં પાંચ વર્ષમાં સાડા ત્રણ કરોડ ખેડૂતોની લોન માફી, માહિતી અધિકારનો કાયદો, સો દિવસની રોજગાર ગેરંટી યોજના, અણુકરાર, ભારત નિમાર્ણથી દેશના તમામ ગામોને રસ્તા, પાણી અને લાઇટની સુવિધા જેવા મહત્ત્વનાં કામો કર્યા છે. કોંગ્રેસનો છેલ્લાં પાંચ વર્ષનો આ રેકર્ડ તમારી સામે છે. હવે ચૂંટણીમાં કોને પસંદ કરવું છે. તે તમારા હાથમાં છે.

વરાછામાં ધારુકાવાલા કોલેજના ગ્રાઉન્ડ પર મળેલી જાહેર સભામાં પ્રદેશ કોંગ્રેસના અઘ્યક્ષ સિદ્ધાર્થ પટેલ, એઆઇસીસીના મહામંત્રી સુધાકર રેડ્ડી, કદીર પીરઝાદા તેમજ સુરત બેઠકના ઉમેદવાર ધીરુ ગજેરા, નવસારી બેઠકના ઉમેદવાર ધનસૂખ રાજપૂત અને બારડોલી બેઠકના ઉમેદવાર તુષાર ચૌધરીએ પણ મંચ ઉપર સ્થાન લીધું હતું. આ ઉપરાંત વસંત ગજેરા, જીવરાજ ધારુકાવાલા સહિત હીરા ઉધોગના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

દેશને દિશા આપવા એનડીએ અને ત્રીજા મોરચા પાસે દીઘર્દ્રષ્ટિ નથી

મનમોહનસિંહે એનડીએ અને ત્રીજા મોરચા પર નિશાન સાધતા કહ્યું કે તેમની પાસે દેશને દિશા આપવા માટે કોઈ યોજનાઓ નથી કે કોઈ દૂરંદેશીપણું નથી. જ્યારે એનડીએ માત્ર ભાગલાની રાજનીતિ જ આપી શકે તેમ છે. બીજી તરફ કોંગ્રેસે પાંચ વર્ષમાં કરેલી કામગીરીના પુરાવા છે.

ગુજરાત વર્ષોથી પ્રગતિશીલ જ છે

ગુજરાતે માત્ર છેલ્લાં સાત-આઠ વર્ષોમાં જ વિકાસ કર્યો છે, તેવા ભાજપના દાવાને ફગાવતાં વડાપ્રધાને કહ્યું કે ગુજરાત ઘણા મુદ્દે મોડેલ રાજય છે. દેશને તેનો ગર્વ પણ છે. જોકે, ગુજરાતની પરંપરા જ પ્રગતિશીલ રાજયની છે. ગુજરાતના વિકાસમાં કેન્દ્રે પણ મહેનત કરી છે. અમે વિકાસના મુદ્દે રાજનીતિ નથી રમતાં.