News News
કેન્દ્રમાં ભાવી સરકાર રચવા મામલે કોંગ્રેસ અને યુપીએના ઘટકપક્ષો અને ત્રીજા મોરચા વચ્ચે ચાલતા ધમાસાણમાં સીપીએમના મહામંત્રી પ્રકાશ કરાતે તાજેતરમાં કરેલી ટિપ્પણીથી કોંગ્રેસે સખત વલણ અપનાવ્યું છે. તેણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે યુપીએ અને અન્ય સહયોગીઓને બહુમતી ન મળે તો પાર્ટી વિપક્ષમાં બેસવાનું પસંદ કરશે.
કોઈ ત્રીજા કે ચોથા મોરચાને વડાપ્રધાનપદ કોઈ પણ ભોગે નહીં સોંપે. ‘સેકયુલર છાવણી’માં શરૂ થયેલા આ ‘ચૂંટણી-પૂર્વ મહાભારત’થી ભાજપમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. પાર્ટીને વિશ્વાસ છે કે આનાથી એનડીએને ફાયદો થશે. આસામ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તેના વિખૂટા પડેલા સહયોગીઓએ ફરી હાથ મિલાવ્યો છે.
યુપીએ અને તેમના જૂના સહયોગીઓમાં સંબંધો વણસેલા છે. રેલવેમંત્રી અને રાજદના અઘ્યક્ષ લાલુપ્રસાદ યાદવ પર પ્રણવદાની લપસતી જીભ અને ડાબેરીઓના ગઢમાં રાહુલ ગાંધીનો ડાબેરીઓ પર પ્રહાર બાદ ‘ત્રીજા મોરચાને કોઈ સમર્થન નહીં’ એવું પાર્ટીનું સખત વલણ.
‘સરકાર બનશે તો કોંગ્રેસના નેતૃત્વમાં, નહીં તો પાર્ટીને વિપક્ષમાં બેસવામાં કોઈ વાંધો નથી’ આ પ્રકારની ટિપ્પણીઓ પક્ષના મોટા નેતાઓને બિનઔપચારિક વાતચીતમાં સતત વ્યસ્ત રાખે છે. રાહુલ ગાંધીના નજીકનાં સૂત્રોનું માનવામાં આવે તો કોંગ્રેસના મહામંત્રીના કામકાજનો અંદાજ અને પાર્ટીમાં આવનાર દિવસોમાં જે પ્રકારની તેમની ભૂમિકા નક્કી થઈ રહી છે.
તેના આધારે અંદાજ લગાવાઈ રહ્યો છે કે ગઠબંધનને જરૂરી સંખ્યામાં સમર્થન નહીં મળે તો વિપક્ષમાં બેસવાનું પસંદ કરી આગામી સંસદીય ચૂંટણીની રાહ જોશે. કોંગ્રેસને હાલમાં તો મનમોહનસિંઘ સિવાય અન્ય કોઈ ઉમેદવાર વડાપ્રધાન તરીકે મંજૂર નથી.
કોંગ્રેસને લાગે છે કે જો તેમના નેતૃત્વમાં યુપીએ જેવી સરકાર રચાવાની શકયતા નહીં હોય તો કેન્દ્રમાં જે પણ સરકાર આવશે તે લાંબો સમય ટકશે નહીં. આવી સ્થિતિમાં વિપક્ષમાં બેસી સંગઠનની કમાન હાથમાં રાખી જો રાહુલ માર્ગોપર નીકળે તો કોંગ્રેસ તેમની દુ:ખતી રગને સાજી કરી કરશે.
સરકાર રચવાની પ્રાથમિકતા
કોંગ્રેસના કોર ગ્રૂપના એક વરિષ્ઠ નેતા અનૌપચારિક વાતચીતમાં સ્વીકારે છે કે કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવશે તો પ્રથમ પસંદગી તરીકે કેન્દ્રમાં સરકાર રચવાની બાબતને પ્રાથમિકતા અપાશે. આ માટે પાર્ટી લાલુ, પાસવાન, મુલાયમ સાથે ત્રીજા મોરચામાં શામેલ કેટલાય પક્ષોને સમર્થન માટે વિનંતી નહીં કરે.
સેકયુલર છાવણીમાં આંતરકલેહથી ભાજપને ફાયદો જ ફાયદો દેખાઈ રહ્યો છે. પાર્ટીને લાગી રહ્યું છે કે આંતરિક ઝઘડા અને આક્ષેપબાજી જો આમ ચાલતી રહેશે તો ભાજપ અને તેના સાથી પક્ષોની વોટબંેકમાં વધારો થશે.
ભાજપના અગ્રણી રણનીતિકારના જણાવ્યા અનુસાર લાલુ-પાસવાન કોંગ્રેસની વિરુદ્ધ થઈ જતાં એનડીએ બિહારમાં મોટો બહુમત મેળવી રહ્યું છે. યુપીએ અને તેના સાથી પક્ષોમાં મતભેદનો બીજો ફાયદો ભાજપને ઉત્તર પ્રદેશમાં દેખાઈ રહ્યો છે.
અહીં અજિતસિંહના રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધન બાદ પાર્ટીને સારી સફળતાની આશા છે. પાર્ટી ખાસ કરીને પિશ્ચમ ઉત્તર પ્રદેશ અંગે ઉત્સાહિત જણાય છે. અહીં ચૂંટણી યોજાવાની બાકી છે. આ ઉપરાંત આસામમાં પણ પાર્ટીને ઘણા સકારાત્મક રિપોર્ટ મળ્યા છે.
કરાત પર કોંગ્રેસે ગુસ્સો ઉતાર્યો
કોંગ્રેસે પ્રકાશ કરાતની તાજેતરની ટિપ્પણી પર ભારે નારાજગી વ્યકત કરતાં જણાવ્યું હતું કે સીપીએમના નેતા યુપીએમાં ભંગાણના કારણ વગર અંદાજ લગાવી રહ્યાં છે.
કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસના પ્રવકતા રેણુકા ચૌધરીએ ભાસ્કર જૂથને આપેલા ઈન્ટરવ્યૂમાં કરાતની ટિપ્પણીની આકરી ટીકા કરતા કહ્યું હતું કે ‘કરાત સાહેબ ભવિષ્યવેત્તા કયારથી બની ગયા છે?’ તેમણે કહ્યું હતું કે કરાત કોંગ્રેસને સમર્થન આપવાની ના પાડે છે. જો કોંગ્રેસ પણ કરાત સાહેબ સાથે આવું જ વલણ અપનાવે તો શું તેઓ ભાજપ પાસે જશે? કરાત ચૂંટણીના પરિણામ સુધી રાહ જુએ એ જ બહેતર રહેશે.