Today :

આ વખતે પણ ‘લેફ્ટ હેન્ડ ડ્રાઇવ’ સરકાર બનશે?

karatસંખ્યાબળ બહુ ઓછું હોવા છતાં ડાબેરી પક્ષો દરેક ચૂંટણી પછી સરકાર રચવામાં નિર્ણાયક પરિબળ કેમ બને છે?

ડાબેરીઓનો ભાવ ઊચકાઈ રહ્યો છે. ત્રિશંકુ નહીં પણ ચતુષ્કોણીય પરિણામો આવે એવી સ્થિતિ પેદા થઈ છે અને એમાં ડાબેરીઓને ફાયદો છે. ત્રીજો મોરચો સરકાર બનાવે, ચોથો મોરચો બનાવે કે કોંગ્રેસના વડપણ હેઠળનો યુપીએ નામનો બીજો મોરચો બનાવે, ડાબેરીઓના ટેકાની તેમને જરૂર પડશે જ. ભાજપના વડપણ હેઠળના એનડીએને ડાબેરીઓનો ટેકો ધર્મનિરપેક્ષતાના નામે કયારેય મળવાનો નથી.

ડાબેરીઓ પંચકણકી જેવા છે, ગમે તેની સાથે વાટકી વ્યવહાર અને રોટી વ્યવહાર કરી લે. કોંગ્રેસની સરકારને વારંવાર ટેકો આપીને ડાબેરીઓએ ચલાવી આપી છે. ૨૦૦૪માં યુપીએની સરકાર બની શકે તેમ નહોતી ત્યારે ડાબેરીઓ જ વહારે ચડયા હતા અને સરકારની રચના થઈ શકી હતી. તે પછીના સાડાચાર વર્ષ ડાબેરીઓ સરકારને દબાવતા રહ્યા, બ્લેકમેઇલ કરતા રહ્યા. અંતે પરમાણુ કરારના મુદ્દે ટેકો પણ પાછો ખેંચી લીધો હતો.

વડાપ્રધાન ડો. મનમોહનસિંઘની પરમાણુ કરાર કરવાની જીદ ડાબેરીઓને ગમી નથી. અત્યારે પ્રકાશ કરાત અને અન્ય ડાબેરી નેતાઓ કોંગ્રેસને ટેકો નહીં જ આપવાના જે નિવેદનો કરી રહ્યાં છે તેના મૂળમાં મનમોહનસિંઘ સામેનો આ અણગમો છે. કોંગ્રેસને કેન્દ્રમાં સત્તા પર નહીં જ આવવા દઈએ એવું કહેવા સુધીની તાકાત ડાબેરીઓમાં આવી ગઈ છે. સ્થિતિ અચાનક બદલી નથી ગઈ, થોડી સ્પષ્ટ થઈ છે અને અનિશ્ચિતતાનું ધુમ્મસ ઝાંખું થતાં જે દ્દશ્ય દેખાઈ રહ્યું છે તે પ્રમાણે ડાબેરીઓનો કાંકરો કાઢી નાખવો સહેલો નહીં જ હોય.

ડાબેરીઓની પંગતમાં બેસવાનું કે તેને પોતાની પંગતમાં બેસાડવાનું કોઈ પક્ષને ગમે તેવું નથી. મજબૂરી હોય તો જ ડાબેરીઓનો સાથ લેવાય કે અપાય. અને, ભારતીય રાજકારણમાં મજબૂરી બહુ મોટી ચીજ બની ગઈ છે. સરકાર બચાવવા માટે અમરસિંહનો ટેકો લેવો પડે અને ઝારખંડ મુકિત મોરચાના સાંસદોને પણ ખરીદવા પડે છે.

આગામી સરકારની રચના તો કદાચ સૌથી વધુ ગૂંચવણવાળી બનશે. યુપીએ, એનડીએ, ત્રીજો મોરચો અને લાલુ, મુલાયમ તથા પાસવાનનો ચોથો મોરચો એમ કુલ ચાર મોટાં જૂથ એકબીજાની સામે છે. આ સ્થિતિમાં કોઈ એક જૂથ બહૂમતી મેળવી જાય એવું બનવાનો તો સંભવ જ નથી. ૨૭૨ના જાદુઈ આંકડાથી બધા દૂર રહી જાય એવી સ્થિતિ છે. ડાબેરીઓનું મહત્ત્વ વધી જવાનું કારણ પણ આ સ્થિતિ જ છે.

એનડીએ સિવાયનો જે મોરચો ૨૭૨ના આંકડાની વધુ નજીક પહોંચશે તેને ડાબેરીઓનો ટેકો મળશે. ત્રીજા મોરચા સાથે તો ડાબેરીઓ સત્તાવાર રીતે જોડાયેલા જ છે. પણ, ત્રીજા મોરચાની સાથે જ જીવવા મરવાના કરાર નથી કર્યા. મુલાયમ, લાલુ અને પાસવાનના મોરચાને જરૂર પડ્યે ટેકો આપવાનું તેઓ કહે છે. ડાબેરીઓનો આ વખતનો એજન્ડા માત્ર ભાજપને સત્તાથી દૂર રાખવાનો નથી, કોંગ્રેસ અને ભાજપ બંનેને દૂર રાખવાનો છે અને શકય બને તો પોતે સત્તા મેળવી લેવાનો પણ છે. ડાબેરી નેતા પ્રકાશ કરાતે બહુ ચુસ્તપણે કહ્યું છે કે વડાપ્રધાન બનવાનો તેમને છોછ નથી.

અર્થાત્, તેમને પણ વડાપ્રધાન બનવાના હોંશ છે. આંકડાનું ગણિત જો કે, ડાબેરી વડાપ્રધાનની તરફેણમાં જતું નથી. તેઓ કદાચ કિંગ મેકર બની શકે પણ કિંગ નહીં. છેલ્લા સાડાત્રણ દાયકામાં ત્રિશંકુ, લોકસભા બને એવાં જ પરિણામો આવતાં રહ્યાં છે. આંકડાઓ વધુ ને વધુ ત્રિશંકુ બની રહ્યા છે. સૌથી મોટો પક્ષ દોઢસો બેઠક માંડ મેળવે એવી સ્થિતિ હવે બની રહી છે. રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ધીમે ધીમે ઘસાઈ રહ્યા છે. આવું થવા પાછળ સત્તાની ભૂખ અને સામેવાળાને મજબૂત નહીં બનવા દેવાની મહેરછા કારણભૂત રહી છે.

સત્તા માટે પ્રાદેશિક પક્ષોનો ટેકો લેવાનું બહુ જોખમી નહોતું પણ, ચૂંટણી પહેલાં જોડાણ કરવાથી પક્ષોનો બેઝ ઘટી ગયો છે. એક રાજયમાં ૫૦ બેઠક હોય તેમાંથી સાથીપક્ષને ૨૦ બેઠક આપવામાં આવે એટલે રાષ્ટ્રીય પક્ષનો ત્યાંનો પાયો ૪૦ ટકા ઘટી જાય. બીજી વખત ચૂંટણી આવે-એટલે સાથી પક્ષ અડધો અડધ બેઠક માગે અને તે પછીની ચૂંટણીમાં તો સામે પડે. ઉત્તર પ્રદેશમાં આવું જ થઈ રહ્યું છે. અત્યાર સુધી બીજા પક્ષોના ટેકાથી સત્તા મેળવનાર માયાવતી હવે એકલાં લડે છે અને વડાપ્રધાન બનવાનાં સપનાં પણ જોવાં માંડયાં છે.





Post your Feedback on Article
 
Name:
Email ID:
Comments:
Code: