Expert Opinion Expert Opinion
મતની મારામારી અને હોદ્દાની હુંસાતુંસીમાં વીસ લાખ બેકારો રઝળે છે તેની કોઈને પડી નથી
હાલની વૈશ્વિક મંદીમાં, ગુજરાતમાં હીરાઉધોગમાં મંદી આવી તો સાતથી દસ લાખ રત્નકલાકારો બેકાર બની ગયા. કપડાઉધોગમાં નિકાસ ઘટી ગઈ તો તૈયાર કપડાં સહિતના બીજા દસ લાખ કામદારો બેકાર બન્યા છે. રત્નકલાકારો પોતાના બિસ્તરા-પોટલાં બાંધીને પોતપોતાના ગામડે પાછા ગયા છે.
અત્યારે સુરતના વરાછા રોડ પર નીકળીએ તો બધું સૂમસામ લાગે છે. જે થોડા ઘણા હીરાઘસુઓ સુરત, અમદાવાદ કે ભાવનગરમાં હજુ રહ્યા છે, એ બધાએ પોતાનાં બાળકોને ભણાવવા ડાયમન્ડ એસોસિયેશનમાંથી મળેલા દાનમાંથી બાળકોના શિક્ષણ માટેની આર્થિક સહાયના ફોર્મ ભરવા પડયા છે. સુરતમાં વિકસેલા કપડાઉધોગના પરપ્રાંતીય કારીગરો પણ રેલ રસ્તે પોતાના ગામડે પરત ગયા છે. કોઈક હીરાઘસુઓ સરકારની રિટ્રેનિંગની યોજનામાં નવી રોજગારીની આશામાં જોડાઈ ગયા છે.
કોઈક ગામડે જઈ ખેતી કરે છે કે હાટડી માંડી વેપાર કરે છે. ટૂંકમાં ભારતમાં માત્ર બે ઉધોગમાંથી બેકાર બનેલા ૨૦ લાખ જેટલા કામદારો પોતાના ગામડે પાછા ફરી લગભગ લોક અને મીડિયાના સમાચારમાંથી ગાયબ થઈ ગયા છે. રત્નકલાકારોનું એમને અપાયેલું રૂપાળું નામ હવે અલોપ થઈ ગયું છે, કારણ હવે એમને રત્ન જોવા કે અડકવા પણ મળતા નથી. હવે તો હીરાઘસુ પણ નહીં પણ જાતઘસુ બની ગયા છે. વિકાસ કેવો અલોપ થઈ ગયો? બીજી બાજુ, શ્રમમંત્રાલયે આર્થિક મંદીના કારણે રોજગારી પર શું અવળી અસર પડી એ જાણવા નમૂનારૂપ સર્વેક્ષણ કરાવ્યું તો શ્રમમંત્રાલયને જાણવા મળ્યું કે ૨૦૦૮ના ઓકટોબરથી ડિસેમ્બર, એ ત્રણ માસમાં જ પાંચ લાખ રોજગારી ઘટી ગઈ છે.
દરમિયાનમાં ૨૦૦૯ના પ્રારંભમાં ભારતમાં ૪૨મી મજૂર પરિષદની બેઠક મળી. આ બેઠક ત્રિપક્ષી હોય છે અને એટલે એમાં માલિકો, મજૂરો અને સરકારના પ્રતિનિધિઓ હાજર હોય છે. આ પરિષદને સંબોધતા વિદેશમંત્રી પ્રણવ મુખરજીએ માલિકોને પોતાનું વળતર ઓછું કરીને પણ પોતાના કર્મચારીઓને નોકરીમાં વધુ વખત ચાલુ રાખવા વિનંતી કરી હતી. માથા પર લોકસભાની ચૂંટણી હોવા છતાં કેન્દ્ર સરકારે બેરોજગાર બનેલા લાખો કામદારોને માટે માલિકોને આજીજી કરવાથી વિશેષ કશું કર્યું નહોતું.
વિશ્વમાં તો જાણે બેરોજગારોની માઇલો લાંબી લાઇનો લાગી છે. સમૃદ્ધ અમેરિકા જેણે આજ સુધી બેરોજગારીની વેદના નામની જ ભોગવી હશે ત્યાં ડિસેમ્બર ૨૦૦૭માં મંદીનો પ્રારંભ થયો તો માર્ચ ૨૦૦૯ સુધીમાં ૪૪ લાખ અમેરિકનોએ નોકરી ગુમાવી. છેલ્લાં પચીસ વર્ષમાં આવી બેરોજગારી અમેરિકાએ જોઈ નથી. આંતરરાષ્ટ્રીય મજૂરસંસ્થાનો અંદાજ છે કે ૨૦૦૯ના વર્ષમાં મંદીના કારણે એશિયામાં ૭૨ લાખ બેરોજગારો વધશે. વિશ્વ બેન્કે આગાહી કરી છે કે ૨૦૦૯ના વર્ષમાં આર્થિક મંદીના કારણે વિકસતા દેશોમાં સાડાબાર કરોડ વધારાના લોકો ગરીબીની રેખા નીચે ધકેલાઈ જશે.
બરાબર આવા જ સમયે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ભારત ચૂંટણીઓમાં વ્યસ્ત છે. ઉમેદવારોને એમના મતની ચિંતા છે. પણ બેરોજગારીની ચિંતા નથી. કોઈકે સાચી ટીકા કરી કે ભારતની લોકસભાની ચૂંટણીમાં બેરોજગારી કે પીવાનું ચોખ્ખું પાણી એ મુખ્ય સવાલ નથી. મુખ્ય સવાલ તો વડાપ્રધાન અને ગઠબંધનની તડજોડના છે.
પણ આવા સમયે ચીન પોતાના નાગરિકો માટે જે સંભાળ લઈ રહ્યું છે, એ જાણવા અને સમજવા જેવું છે. ચીનના વડાપ્રધાન વેન જીઆબાઓના જણાવ્યા પ્રમાણે ચીનમાં બાર કરોડ ચીનાઓ ગ્રામવિસ્તારોમાંથી સ્થળાંતર કરી શહેરોમાં રોજી અર્થે ગયા હતા. વૈશ્વિક મંદી પછી બેરોજગારીના કારણે ગામ ભણી પરત આવનારાની સંખ્યા બે કરોડ જેટલી છે. આવડું મોટું સ્થળાંતર ચીનના નવા વર્ષે પહેલી વાર થયું. પણ આ બેરોજગારોને ફરી કામે લગાડવા આક્રમક ઢબે સ્થાનિક સત્તાવાળાઓ મથી રહ્યા છે. હેનાન રાજયને સૌથી વધુ અસર થઈ છે ત્યાં અધિકારીઓએ બેવડે દોરે કામ શરૂ કર્યું છે. જે ગામ પાછા ફર્યા છે એમને બીજે જયાં જરૂર હોય ત્યાં તત્કાળ મોકલી દેવાય છે. બીજી તરફ હેનાન રાજયના ઉધોગો નવા રસ્તે વાળવા જરૂરી એવા નિષ્ણાત કારીગરોને બોલાવી લેવાય છે.
ત્રીજું, ચીને રાહત માટે જાહેર કરેલ ૫૮૬ બિલિયન ડોલરના સ્ટીમ્યુલસમાંથી હેનાન પ્રાંતના હિસ્સે આવતી રકમમાંથી પ્રાંતની માળખાકીય સગવડો વધારવાના કામોમાં સાડા છ લાખ મજૂરોને કામે લગાડવા પગલાં ભરાયાં છે. આમાં રાજયની રાજધાની અને લ્યુઓયાંગ પ્રવાસધામ વચ્ચે હાઇસ્પીડ રેલ માટેનો ટ્રેક નાખવાનું અને હેનાનના ધોરીમાર્ગોનો વિસ્તાર કરાશે. ઉપરાંત લે ઓફ કરાયેલા આ કામદારોને ૨૧૯ મિલિયન ડોલરનું લઘુધિરાણ અપાશે, જેથી એ લોકો પોતાની ખેતીને લગતા અને પૂરનિયંત્રણ અંગેના કામો હાથ ધરી શકે. હેનાને પોતાના બેરોજગારોને નોકરીલાયક ધંધા માટે તકનીકી તાલીમ આપવાના કાર્યક્રમને બેવડો કર્યોછે અને જેમાં ૧૪૬ મિલિયન ડોલરના ખર્ચે ૨૦ લાખને તાલીમ આપી શકાશે.
હેનાનની એક હજાર ટ્રેનિંગ કોલેજોને સ્થાનિક જરૂરવાળા કારીગરો તૈયાર કરવા વધારાનાં નાણાં અપાયાં છે. આ ટ્રેનિંગ કોલેજની તાલીમ એટલી ઉપયોગી સાબિત થઈ છે કે ભૂતકાળમાં એણે તૈયાર કરેલા ૬,૮૦,૦૦૦ તાલીમાર્થીઓમાંથી પંચાણુ ટકાને રોજગારી મળી ગઈ હતી.
આ વિગતો બતાવે છે કે છેલ્લા ત્રણ મહિનામાં ચીને ઉધોગોમાંથી બેરોજગારીના કારણે પોતાના વતન પાછા ફરેલા ખેડૂતપુત્રોને કામે લગાડવા સ્ટીમ્યુલસનાં નાણાંનો છૂટથી ઉપયોગ શરૂ કર્યોછે.
આપણે તો મેની વીસમીએ ચૂંટણી પૂરી થશે ત્યાં સુધી પૂરા ત્રણ માસ મતની હુંસાતુંસી કરીશું. પછી સરકાર બનાવવા તડજોડ કરીશું અને પછી વરસાદમાં નાહી ઠંડા પડીશું. નવી સરકાર નવા નામે, આવતાં દસ વર્ષમાં સંપૂર્ણ રોજગારી આપવાનું નવું વચન આપશે તે સંસદની પાટલીઓ થપથપાવી આવકારીશું અને પોકારીશું... જય હો! (સનત મહેતા ગુજરાત રાજયના પૂર્વ નાણાપ્રધાન છે.)